UNને પરમાણુ કાર્યક્રમની સમીક્ષા કરતા અટકાવ્યું:ઈરાને કહ્યું- અમેરિકા અને પશ્ચિમી દેશો પોતાના હિત માટે અમારો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યા છે

સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સીએ દાવો કર્યો છે કે ઈરાને તેના અધિકારીઓને તેના પરમાણુ કાર્યક્રમની સમીક્ષા કરતા અટકાવ્યા છે. ઈન્ટરનેશનલ એટોમિક એજન્સીના ચીફ રાફેલ ગ્રોસીએ ઈરાનના આ પગલાની ટીકા કરી છે.

તેમણે જણાવ્યું હતું કે ઈરાને કહ્યું છે કે એજન્સી તેના પરમાણુ કાર્યક્રમની તપાસ કરી રહેલા અધિકારીઓને પરત બોલાવે. આમ કરીને ઈરાને કાર્યક્રમની તપાસમાં સામેલ એક તૃતીયાંશ અધિકારીઓને તેમના કામમાંથી હટાવી દીધા છે.

સાથે જ ઈરાને કહ્યું કે અમેરિકા અને પશ્ચિમી દેશો તેમની વિરુદ્ધ પરમાણુ એજન્સીનો ઉપયોગ કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પોતાના અંગત હિત માટે અમારો રાજકીય ફાયદો ઉઠાવી રહ્યા છે. જેના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું.

ઈરાન પર પશ્ચિમી દેશોના પ્રતિબંધો
ઈરાનના પરમાણુ કાર્યક્રમની સમીક્ષા અટકાવવાનું કારણ પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છે. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ ગુરુવારે કહ્યું કે ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમ અને બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદનને લઈને લાદવામાં આવેલા પ્રતિબંધો યથાવત રહેશે. આનાથી નારાજ થઈને ઈરાને યુએન એટોમિક એજન્સીનું કામ બંધ કરી દીધું. બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ કહ્યું કે જ્યાં સુધી તેહરાન કરારનું સંપૂર્ણપણે પાલન ન કરે ત્યાં સુધી પ્રતિબંધો લાગુ રહેશે.

ખરેખરમાં આઠ વર્ષ પહેલા ઈરાને તેના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે ડીલ કરી હતી. આ પછી ઈરાન પર લાગેલા તમામ પ્રતિબંધો 18 ઓક્ટોબરે ખતમ થવાના હતા. પશ્ચિમી પ્રતિબંધોને કારણે ઈરાનની આર્થિક પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે. હાલમાં જ પાકિસ્તાને ઈરાન સાથેનો એક પ્રોજેક્ટ પણ રદ કર્યો હતો. ઈરાને આના પર ઘણા રુપિયા રોક્યા હતા.

તે કયો પરમાણુ કરાર છે જેના રદ થવાથી ઈરાન પર અમેરિકન પ્રતિબંધો લાગ્યા?
2015માં, ઈરાને ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન, જર્મની અને યુએસ સાથે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી એટલા માટે થઈ હતી કારણ કે પશ્ચિમી દેશોને ડર હતો કે ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી શકે છે અથવા તે એવો દેશ બની શકે છે જેની પાસે પરમાણુ શસ્ત્રો ન હોય, પરંતુ તે બનાવવાની તમામ ક્ષમતાઓ ધરાવે છે અને કોઈપણ સમયે તેનો ઉપયોગ કરી શકે છે.

ઈરાન સાથેના પરમાણુ કરાર દ્વારા, તેના પરમાણુ ક્ષમતા વધારવા માટેના સંશોધન કાર્યક્રમને નોંધપાત્ર રીતે નિયંત્રિત કરવામાં આવ્યો હતો. ઈરાનને ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) દ્વારા આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ લાવવામાં આવ્યું હતું, જે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ પર ભાર મૂકે છે. તેના બદલામાં ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમના કારણે લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા.

જો કે, 8 મે, 2018 ના રોજ, તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસને ઈરાન ન્યુક્લિયર ડીલ કરારમાંથી બહાર કરી દીધું હતું. અમેરિકાએ 2019થી ઈરાન પર ફરીથી પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *